૧૫ માર્ચ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝરીયાએ મુખ્યમંત્રી અને ધારાસભ્યને પત્ર લખ્યો
હળવદના મયાપુરના વતની અને હળવદ તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ કણઝરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લેખિત રજૂઆત કરીને ૧૫ માર્ચ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવા બાબતે માંગ કરી છે.
ભરતભાઈ કણઝરીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકામાં શિયાળુ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે. લગભગ પાકો તૈયાર થવાના આરે હોઈ સરકાર દ્વારા ૨૮ ફેબ્રુઆરીથી મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલો રીપેરીંગ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.ત્યારે તૈયાર થયેલા પાકો માટે ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સ્થિતિ છે.તેથી ખેડૂતોએ અમારી સમક્ષ મૌખિક રજૂઆતો કરી છે.આ રજૂઆતો ને ધ્યાને લઈ ૧૫ માર્ચ સુધી ત્રણેય કેનાલ ચાલુ રાખવામાં આવે તે ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. તો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા મુખ્યમંત્રીને અને ધારાસભ્યને રજૂઆત કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથક માંથી મોરબી, ધાંગધ્રા અને માળીયા બ્રાન્ચની એમ ત્રણેય કે નાલો પસાર થાય છે.કેનાલની સાથે સાથે પેટા કેનાલોમાં પણ પાણી છોડાતું હોવાના કારણે કેનાલ આધારિત મોટા પ્રમાણમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.જેથી તાલુકા ભાજપ પ્રમુખની રજૂઆતને ધ્યા ને લઈ ૧૫ માર્ચ સુધી કેનાલ ચાલુ રખાય તો ખેડૂતોને પણ મોટો ફાયદો થશે.

ટિપ્પણીઓ નથી