હળવદ તાલુકાના ત્રણ એગ્રોના લાયસન્સ રદ કરતું મોરબી જિલ્લા ખેતીવાડી ખાતુ
હળવદની મોરબી ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં યુરિયા ખાતરનો જથ્થો હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ગોડાઉનમાં મોટો જથ્થો મળી આવતા આ જાણ ખેતીવાડી વિભાગના અધિકારીઓને કરવામાં આવી. ખેતીવાડી ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને સ્થળ પરથી ખાતરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
તપાસના પગલે, હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખેતીવાડી નાયબ નિયામક (વિસ્તાર અધિકારી) તરંગ ફળદુએ અજય ભુપતભાઈ રાવલ, કયટારામ જાટ, કાળુ ખોડાભાઈ મુંધવા, ચેતન રાઠોડ અને જયદીપ તારબુંદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં હજી સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી.
ખેતીવાડી અધિકારીઓના સૂત્રોના જણાવ્યા મુજબ, આ મામલામાં હળવદ તાલુકાના કેટલાક એગ્રોના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. રદ થયેલા લાઇસન્સમાં દેવ ફર્ટીલાઇઝર, સહજાનંદ એગ્રો અને રાજભવાની એગ્રોનો સમાવેશ થાય છે.
આ ઘટનાએ કૃષિ ક્ષેત્રમાં ખોટા દ્રવ્યોના ઉપયોગ અને માલસામાનની ગેરકાયદેસર હેરફેર અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ અને ખેતીવાડી વિભાગે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે, જેનાથી આ પ્રકરણમાં સામેલ તમામ લોકો સામે કડક પગલા લેવાશે તેવી શક્યતા છે.

ટિપ્પણીઓ નથી